AAP ભાજપને પડકારશે: આ છે સુરત મહાનગરપાલિકાની સૌથી નાની કોર્પોરેટર

AAP ભાજપને પડકારશે: આ છે સુરત મહાનગરપાલિકાની સૌથી નાની કોર્પોરેટર

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ છ મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. જોકે, ડાયમંડ સિટી સુરતના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે અને ખાસ કરીને કોંગ્રેસ માટે વધુ ફટકા રૂપ છે. અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટી (આપ)ની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઈ છે. જેમાં સૌથી નાની ઉંમર અટલે કે 22 વર્ષીય પાયસ સાકરીયા વોર્ડ નં-16માં જીત મેળવી કોર્પોરેટર બન્યા છે.ભાજપના પ્રતિસ્પર્ધીને પાયલ સાકરીયાએ 9669 મતની લીડથી હરાવીને વિજય હાંસલ કર્યો છે.

પાયલ પાસે માત્ર 1.42 લાખની મિલકત
પાયલ કિશોરભાઈ સાકરીયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પાયલની ઉંમર માત્ર 22 વર્ષ છે. પાયલ સાકરીયા સુરત શહેરના સૌથી ઓછી વયના ઉમેદવાર હતા. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરીયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ સાકરીયા પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે પાયલ સાકરીયા પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતના ઘરેણાં છે.

જીતની ખુશી કેક કાપીને ઉજવી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા હોવાની ખુશી કાર્યકરોના ચહેરા પર સ્પષ્ટરીતે જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને ઉજવી હતી. જેમાં વિજેતા ઉમેદવારોમાં સુરતના વોર્ડ નંબર 16ના માત્ર 22 વર્ષીય પાયલનો પણ સમાવેશ થાય છે.

પાયલની જીત થતા ભવ્ય સ્વાગત કરાયું
માત્ર 22 વર્ષીય પાયલ સાકરીયા જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચ્યા ત્યારે તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ અને નગારા સાથે પાયલ સાકરીયાનું સ્વાગત કરવા માટે હાજર હતા. આ પ્રસંગે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામ કરીશ. મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલા પાયલ સાકરીયાએ પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા. પરિવારના લોકોએ મીઠાઈ સાથે પાયલ સાકરીયાનું સ્વાગત કર્યું હતું.

કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી
સુરત મનપામાં આપને મળેલી સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, નવી રાજનાતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન. સુરત મનપાની 120 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 27 બેઠકો પર કબજો કરી આપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે સામે આવી છે. ઘણા વોર્ડમાં તો આપના ઉમેદવારોએ 10થી 20 હજારની લીડ મેળવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલી લીડ ઘણી મોટી કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *