Changes From March 1, 2021: આજે 1 માર્ચ છે અને નવા મહીનાની શરૂઆત સાથે જ દેશભરમાં નવા નિયમો લાગૂ થઈ જશે. આજથી કોરોનાની વેક્સિનેશનો નવો તબક્કો શરૂ થઇ ગયો છે. જે અંતર્ગત 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને આ રસી આપવામાં આવશે. આ ઉપરાંત વિજયા બેંક અને દેના બેંકના ગ્રાહકો જુના IFSC કોડથી પૈસાનું ટ્રાંજેક્શન નહીં કરી શકે. બન્ને બેંકોનું બેંક ઓફ બરોડામાં મર્જર થયા બાદ નિયમો બદલાઈ રહ્યાં છે.
આજથી LPG સિલિન્ડર 25 રૂપિયા મોંઘો
માર્ચ મહિનાની શરૂઆત ભારે ઝટકા સાથે થઇ છે. દર દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલેંડરનો નવો ભાવ નક્કી કરે છે. આજથી ઘરેલુ સિલેંડર (ગેસનો બાટલો) માટે તમારે 25 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ફેબ્રુઆરીમાં 14.2 કિલોવાળા LPG સિલિન્ડરના ભાવ વધ્યા હતા. આજે 25 રૂપિયાના વધારા બાદ હવે તમારે 794 રૂપિયાના બદલે 819 રૂપિયા ચૂકવવા પડશે.
પેટ્રોલ-ડીઝલની કિંમત યથાવત
જોકે 1 માર્ચની શરૂઆત પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. 28 ફેબ્રુઆરીના રોજ પણ ભાવ વધ્યા નથી. એટલા માટે સતત બે દિવસથી લોકોને પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોમાં રાહત મળી છે.
આજથી કોરોનાની રસીના નવા તબક્કાની શરૂઆત
આજથી એટલે કે 1 માર્ચથી 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં આ રસીકરણ વિના મુલ્યે કરાશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયામાં આ રસી આપવામાં આવશે.
વિજયા અને દેના બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર
કેન્દ્ર સરકારે વિજયા અને દેના બેંકનું બેંક ઓફ બરોડોમાં મર્જર કરી દીધું છે. બેંકોના મર્જર બાદ આજથી એટલેકે, પહેલી માર્ચથી બેંકના નવા નિયમો લાગૂ થશે. એવામાં બેંકના જુના આઈએફએસસી કોડ કામ નહીં કરે. તેથી વિજયા અને દેના બેંકના ગ્રાહકોએ હવે બેંક ઓફ બરોડામાં જઈને નવો IFSC કોડ લેવો પડશે.
નવા કોડ માટે શું કરવું
વિજયા અને દેના બેંકના ગ્રાહક બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ www.bankofbaroda.in પર વિજિટ કરી શકે છે. એ ઉપરાંત બેંક ઓફ બરોડોની નજીકની શાખામાં જઈને પણ જરૂરી દસ્તાવેજ દર્શાવીને નવો IFSC કોડ મેળવી શકે છે.