રાજ્યમાં કહેવાતી દારૂબંધી વચ્ચે ઠેર ઠેર ગલીઓમાં દારૂ વેચાય છે. અને દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થઈ જાય છે. પણ સુરતમાં (Surat) એક ચોંકાવનારો જ કિસ્સો સામે આવી છે. જેમાં દારૂ પીને માર મારતાં પતિથી (Alcoholic Husband) કંટાળેલી પત્નીએ તેને ટેમ્પા પાછળ બાંધી દીધો હતો અને બે હજાર ફૂટ સુધી ઢસડ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને આ મામલે પોલીસે આરોપી પત્ની અને તેના ભાઈની ધરપકડ કરી છે.
સુરતના કડોદરામાં રહેતા મૂળ મહારાષ્ટ્રનો 32 વર્ષીય બાલાકૃષ્ણ રાઠોડ મિલ મજૂરી કરે છે અને તેને દારૂ પીવાની આદત છે. દારૂ પીને તે પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો અને માર મારતો હતો તેવો આરોપ પત્નીએ લગાવ્યો છે. શુક્રવારે પણ પતિએ પત્ની અને સાસુ સાથે ઝઘડો કર્યો હતો. જેથી સતત પતિના ઝઘડાથી કંટાળેલી પત્નીએ ટેમ્પોચાલક એવાં પોતાના ભાઈને બોલાવી દીધો હતો.
પત્ની અને તેના ભાઈએ ભેગાં મળીને બાલકૃષ્ણને ઢોર માર માર્યો હતો. અને આટલેથી ન અટકતાં તેને ટેમ્પો સાથે બાંધી દીધો હતો. અને બાદમાં તેને બે હજાર ફૂટ સુધી ઢસડ્યો હતો. સરેઆમ રસ્તા પર આવાં દ્રશ્યો જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. અને યુવકને બચાવવા માટે ભાગદોડ કરી હતી. ટેમ્પા પાછળ ઘસડાવવાને કારણે બાલકૃષ્ણ બેભાન થઈ ગયો હતો. અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે આરોપી પત્ની અને તેના ભાઈની ધરપકડ કરી છે.