ચૂંટણીઓ બાદ કોરોનાએ ગુજરાતમાં ‘સ્પીડ’ પકડી, આજે સરકારે લીધો તાબડતોડ નિર્ણય, જાણો કેસ અને મોત?

ચૂંટણીઓ બાદ કોરોનાએ ગુજરાતમાં ‘સ્પીડ’ પકડી, આજે સરકારે લીધો તાબડતોડ નિર્ણય, જાણો કેસ અને મોત?

સ્થાનિક સ્વરાજનીચૂંટણીઓ પુરી થતાં જ હવે કોરોના વાયરસે રાજ્યમાં સ્પીડ પકડી લીધી છે. ગુજરાતમાં માંડ માંડ કાબૂમાં આવેલા કોરોના મહામારીમાં રાજકીય પાર્ટીઓને રેલીઓ, સભાઓ અને સરઘસો કાઢવા ભારે પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે રાજકોટ, સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર કોરોના પોઝિટિવનો કેસ વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 315 પોઝિટિવ કેસ નોંધાયા છે તથા 272 દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે ગયા છે.
અત્યાર સુધી 2,61,281 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતવાર ચર્ચા કરીએ તો કુલ 1732 એક્ટીવ કેસ છે, જેમાં 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તેમાંથી 1702 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાં 4406 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે. આજે રાજ્યમાં કોરોનાથી એકનું મોત થયું છે.

કોરોના વાયરસના આંકડા વિશે જણાવીએ તો અમદાવાદમાં 72 કેસ, એકનું મોત થયું છે. વડોદરામાં 68, રાજકોટમાં 42, સુરતમાં 52 કેસ, ગાંધીનગરમાં 10 અને જામનગરમાં 9 કેસ, જૂનાગઢમાં 6 અને ભાવનગરમાં 1 કેસ, કચ્છમાં 10, ખેડામાં 7, નર્મદામાં 6 કેસ, દ્વારકા – ગીર સોમનાથમાં 5 – 5, સાબરકાંઠામાં 4 કેસ, અમરેલી, મહિસાગર, મોરબીમાં 3 – 3 કેસ, આણંદ – તાપીમાં 2 – 2, ભરૂચ – દાહોદમાં 1 – 1 કેસ, મહેસાણા, નવસારી, પંચમહાલમાં 1 – 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતાં રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વધતા કેસોને ધ્યાને લઈ ગુજરાતમાં બોર્ડર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જ્યાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે. તેવી રીતે રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર પણ સ્ક્રીનીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશનો પર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે.

પાડોશી રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે રાજ્યમાં ધનવંતરી રથની સંખ્યા વધારી તેની સેવોએને વધુ સુદ્રઢ કરવામાં આવશે. લોકોને ટેસ્ટીંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુમાં વધુ ટેસ્ટીંગ બુથ કાર્યરત કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *