મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના (Corona)ના વધતા કેસને જોતા આખરે સૌથી વધારે પ્રભાવિત થયેલા યવતમાલ (Yavatmal) અને અમરાવતી (Amravati) જિલ્લામાં ફરી લોકડાઉન (Lockdown) લગાવવાની જાહેરાત થઈ છે. હવે જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન રહેશે. યવતમાલના જિલ્લા અધિકારી દેવેન્દ્ર સિંહે આ નિર્ણય લીધો છે. યવતમાલમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘણી વધી ચુકી છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનાથી લઇને 29 જાન્યુઆરી સુધી 25 દર્દીઓના મોત થયા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ઘણો વધી ચુક્યો છે.
હાઈ રિસ્ક અને લો રિસ્ક એરિયા પ્રમાણે શહેરમાં લૉકડાઉન
યવતમાલ, પંઢરકવડા અને પુસદમાં કોરોના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. આ ત્રણેય જગ્યા પર દરરોજ 500ની આસપાસ દર્દીઓ મળી રહ્યા છે. આ હિસાબે આ ત્રણેય જગ્યાના રોજના 1500 દર્દીઓની તપાસ કરવી જરૂરી છે. જિલ્લા હૉસ્પિટલમાં વધતા મોતના આંકડાને જોતા ડીન પાસે ડેથ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી હૉસ્પિટલોમાં પણ કોરોનાથી થનારા મોતોનો ઑડિટ રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે હાઈ રિસ્ક અને લો રિસ્ક એરિયા પ્રમાણે શહેરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 4787 નવા કેસ
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 4787 નવા કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 20,76,093 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 40 લોકોના મોત થયા છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કુલ 51,631 લોકોના કોરોનાના કારણે મોત થઈ ગયા છે. રાજ્યમાં અત્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 38,013 છે. મુંબઈમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 721 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.
મુંબઈમાં અત્યાર સુધી 11,428 કોરોના દર્દીઓના મોત
જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. જેના કારણે બીએમસીની મુશ્કેલીઓ વધી ગઈ છે. મુંબઈમાં અત્યાર સુધી કુલ 3,15,751 કોરોનાના કેસ સામે આવ્યા છે, જ્યારે શહેરમાં અત્યાર સુધી 11,428 કોરોના દર્દીઓના મોત થયા છે.