શુક્રવારે પાટનગર દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટમાં એક પત્ર મળી આવતાં આ ઘટના સાથે ઈરાન કનેક્શન સામે આવ્યું છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ તો માત્ર ટ્રેલર છે અને સાથે જ બદલો લેવાનું કહેવામાં આવી રહ્યું છે. 2020માં માર્યા ગયેલા કાસીમ સુલેમાની અને ઈરાનના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરીઝાદેહનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
પત્ર મળ્યા પછી આ ઘટના પાછળ ઇરાન કનેક્શન હોવાની સંભાવના બતાવવામાં આવી રહી છે. આ અગાઉ 2012માં પણ ઇઝરાઇલની એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 2 ઈરાની સંડોવાયેલા હતા. આ લોકો દિલ્હીની પહાડગંજ હોટલમાં રોકાયા હતા. કારના વિસ્ફોટ બાદ આ લોકો ઈરાન ભાગી ગયા હતા. તપાસ એજન્સીઓ હજુ પણ આ લોકોની શોધમાં છે.
તો વળી બીજી તરફ ઇઝરાઇલના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આતંકવાદી ઘટના ગણાવી છે. ઇઝરાઇલના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે વિદેશ પ્રધાન ગબી અશ્કેનજીને નિયમિતપણે આ ઘટના અંગે અપડેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે તમામ જરૂરી સુરક્ષા પગલાંનો આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી આ પત્રનું ટચ ડીએનએ કરશે. મોસાદ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એજન્સી તેના સ્તરે કામ કરે છે. જો કે, હજી સુધી મોસાદ ઘટના સ્થળે આવશે કે કેમ એના વિશે કોઈ માહિતી સામે નથી આવી.