દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલને આજે હિંસક વળાંક લીધો છે.કેન્દ્રના નવા કાયદા સામે નીકળેલી ટ્રેકટર માર્ચમાં સામેલ ખેડૂતો દિલ્હીમાં ઘૂસ્યા બાદ તોફાને ચઢ્યા છે.
એક તરફ ખેડૂતોએ દિલ્હીના લાલ કિલ્લા પર ચઢીને ઝંડો ફરકાવ્યો છે ત્યારે બીજી તરફ દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં ભારે તોફાન મચાવ્યુ છે.અહીંયા પોલીસ દ્વારા ખેડૂતોને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.ખેડૂતોના આક્ષેપ છે કે, પોલીસના ફાયરિંગમાં ઉત્તરાખંડના એક રહેવાસીનુ મોત થયુ છે.જેની ઓળખ નવનીત તરીકે કરવામાં આવી છે.જોકે એ પછી બપોરે 3 વાગ્યા સુધી પોલીસે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બીજી તરફ પોલીસ પર અહીંયા ટ્રેક્ટર ચઢાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ અંગેનો એક વિડિયો પણ વાયરલ થયો છે.જેમાં જોઈ શકાય છે કે, બે ખેડૂતો ટ્રેક્ટર પર સ્ટન્ટ કરી રહ્યા છે અને તેઓ ટ્રેક્ટર પોલીસ તરફ લઈ જાય છે અને પોલીસ કર્મીઓને કચડવાનો પ્રયાસ કરે છે.
દિલ્હીમાં સૌથી વધારે હિંસક દેખાવો આઈટીઓ વિસ્તારમાં જ થયા છે.જ્યાં ખેડૂતોએ ટ્રેક્ટરો વડે પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યુ છે.ખેડૂતોને રોકવા માટે પોલીસને અહીંયા લાઠીચાર્જ કરવો પડ્યો છે અને ટીયરગેસના સેલ છોડવા પડ્યા છે.