કેશુબાપા-કનોડિયાના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી, PM મોદી કેવડિયા પહોંચ્યા, વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે

કેશુબાપા-કનોડિયાના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી, PM મોદી કેવડિયા પહોંચ્યા, વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે

કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે, જ્યાં સીએમ, રાજ્યપાલ સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી મોદી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર કેવડિયા પહોચ્યા છે. જ્યાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.

મોદી પરિવારના વડીલની જેમ અમારી સાથે બેઠાઃ સોનલબેન પટેલ
કેશુબાપાના દીકરી સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અમારા ઘરે આવ્યા. પરિવારના વડીલની જેમ અમારી સાથે બેઠા હતા. બાપાની અંતિમ ક્ષણ અંગે પૂછ્યું હતું. માંદગી દરમિયાન પણ મોદી સતત ખબર પૂછતા રહેતા હતા. એમને ખબર હતી કે કોવિડ બીમારીમાંથી બાપા બહાર આવી ગયા હતા. પરંતુ ગઇકાલે એવું શું થયું તે અંગે પૂછ્યું હતું અને વાતચીત કરી હતી.

વડાપ્રધાને કહ્યું બન્ને ભાઈ અમર થઇ ગયાઃ હિતુ કનોડિયા
ગુજરાતી અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર પરિવાર માટે આ ગર્વની વાત કહેવાય કે દેશના વડાપ્રધાન અમારા ઘરે પધાર્યા. અમને સાંત્વના અને હિંમત આપવા આવ્યા ત્યારે તેમણે એક વાક્ય કહ્યું કે અદભૂત જોડી અને બન્ને ભાઈ અમર થઇ ગયા. આ વાક્ય અમારા કૂટુંબ માટે અને સમગ્ર ગુજરાત માટે ઉમદા વાક્ય છેકે, બન્ને ભાઈ અમર થઇ ગયા. આપ જોશો તો છબીની અંદર જન્મ કે મરણ તિથિ લખતા હોય છે, પણ અમે એ તારીખો લખી નથી. કારણ કે મહેશભાઈ અને નરેશભાઈ ખરેખર અમર થઇ ગયા છે. એ પ્રકારનો પ્રેમ મોદી સાહેબે કહ્યું કે, બન્ને ભાઈનો અપાર પ્રેમ, અદભૂત પ્રેમ ખૂબ પ્રેરણાદાયી છે. લોકોએ તેમાંથી શીખ લેવી જોઇએ તેવા આ બન્ને વ્યક્તિત્વ છે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
9:45: વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન.
9:55: એરપોર્ટથી ગાંધીનગરના કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જવા રવાના.
10:05: ગાંધીનગર સ્વ.કેશુબાપાના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી.
10:15: કેશુબાપાના નિવાસસ્થાનથી કનોડિયાબંધુને ત્યાં જવા રવાના.
10:31: નરેશ કનોડિયાના ઘરે પહોંચ્યા પીએમ મોદી.
10:40: નરેશ-મહેશ કનોડિયાની બેલડીને શ્રદ્ધાંજલિ આપી.
10:50: ગાંધીનગર હેલિપેડથી કેવડિયા જવા થયા રવાના.

સ્વ.કેશુભાઈ પટેલના ગાંધીનગર ખાતે આવેલા બંગલા પર પોલીસબંદોબસ્ત.

PMએ સોશિયલ મીડિયા મારફત કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
સી-પ્લેન સહિતના અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ અર્થે વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ સૌથી પહેલા કેવડિયા જવાના હતા, પરંતુ ગઈકાલે કેશુભાઈ પટેલના નિધન બાદ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આજે અમદાવાદ આવશે અને ત્યાર બાદ બપોર પછી કેવડિયા જવા નીકળશે. ગુરુવારે સોશિયલ મીડિયા મારફત કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પહાર પણ મોકલાવ્યો હતો.

મીડિયાને કેશુભાઈના ઘરથી 500 મીટર દૂર રખાયું, થ્રી લેયર સિક્યોરિટી ગોઠવાઈ.
બપોર બાદ કેવડિયા પહોંચી જંગલ સફારી સહિતનું લોકાપર્ણ કરશે
મોદી કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે. કેવડિયા એક અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ આસપાસના 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલી ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદઘાટન કરશે. 4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.

હીરાબાના ઘરે સિવિલ ડ્રેસમાં પોલીસબંદોબસ્ત.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *