કોરોના મહામારીને કારણે સ્કૂલો શરૂ ન થવાથી અને માત્ર ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલી રહ્યું હોવાથી વાલી મંડળે ધો.1થી 8માં માસ પ્રમોશન આપવાની માંગ કરી છે. પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ અને જરૂર જણાય તો સ્કૂલો ત્રિ માસીક પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે. વાલી મંડળે શિક્ષણ વિભાગને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, સ્કૂલો ફિઝીકલી બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઇએ. ઉપરાંત ગયા વર્ષે સરકારે નવું સત્ર એપ્રિલથી શરુ કરવાની જાહેરાત કરી હતી. આ સ્થિતીમાં બાળકોને સ્કૂલો ફિઝીકલી શરુ થયા બાદ પણ માનસીકતાણ ન અનુભવાય તે સરકારે ધો.1થી 8માં માસ પ્રમોશનની જાહેરાત કરવી જોઇએ.
ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણમંત્રીને રજુઆત કરી
ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી છે કે કોરોના વાયરસની અનિશ્ચિતતાઓ વચ્ચે સ્કૂલોનું એક સત્ર પુરુ થઈ ગયું છે તેમજ હજીએ સ્કૂલો ખોલવા અંગે અનિશ્ચિતતાઓ છે. ત્યારે ધોરણ 1થી 9ની પરિક્ષાઓ મોકૂફ રાખીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના વર્ગમાં પ્રવેશ આપવો જોઈએ.
2020-21નું 90 દિવસનું સત્ર જ બાકી રહ્યું છે
વાલી મંડળે સરકારને રજુઆત કરતાં કહ્યું છે કે હવે 2020-21ના સત્રના 90 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે સ્કૂલોએ પોતાની રીતે મૂલ્યાંકન કરીને માસિક અથવા ત્રિમાસિક પરીક્ષા યોજી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે સરકારને રજુઆત કરવી જોઈએ. આ પગલાંને લીધે કરોડો વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યની સુરક્ષા થશે. તે ઉપરાંત નવું સત્ર 21 એપ્રિલથી શરુ થવાનું છે તેમાં તમામ ગ્રાન્ટેડ નોન-ગ્રાન્ટેડ, સ્વનિર્ભર સહિતની સ્કૂલો અને શિક્ષણ વિભાગને પણ સવલત રહેશે. વાલી મંડળનું કહેવું છે કે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓનું હિત જળવાય અને આગામી સત્ર રાબેતા મુજબ શરુ થાય તે માટે આ રજુઆત કરવામાં આવી છે.