નવરાત્રિ સાથે રાજ્યના લોકોની જોડાયેલી ભાવનાને જોતાં આરતી સાથે થતાં પાંચ ગરબા અને ઘરમાં કે બંગલૉમાં પરિવારના 15-20 વ્યક્તિના ગરબા પ્રત્યે પોલીસને આંખ આડા કાન કરવાની સૂચના બિનસત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા પોલીસને અપાઈ છે. જોકે, જાહેર સ્થળો, જાહેર માર્ગો અને સાર્વજનિક સ્થળોએ માતાજીની પૂજા અર્ચના માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત જ છે. આ ઉપરાંત જાહેર સ્થળો કે પાર્ટી પ્લોટમાં કોઈ ગરબાની મંજૂરી નહીં જ મળે.
ઘર-બંગલોમાં થતા ગરબા પર કાર્યવાહી નહીં થાય
ગૃહ વિભાગના ટોચના સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે, એક તરફ સરકાર કોરોનાને પ્રસરતો અટકાવવા માંગે છે અને બીજી તરફ લોકોની ધાર્મિક ભાવના દુભાય નહીં એવું પણ ઈચ્છે છે. આથી કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે ઘરો-બંગલૉમાં થતાં પારિવારિક ગરબા પર કોઈ કાર્યવાહી નહીં કરવા પોલીસને સૂચના અપાઈ છે. આ સાથે આપણે ત્યાં માતાજીની આરતી વખતે પ્રતીકરૂપે પાંચ ગરબા કરવાનું ધાર્મિક માહાત્મ્ય છે. તેથી આવા ગરબા પ્રત્યે પણ આંખ આડા કાન કરવાનું પોલીસને કહેવાયું છે. જોકે, કોવિડ-19ના નિયમોનું કે ગરબા અંગેની અન્ય ગાઈડલાઈનનો ભંગ થશે તો પોલીસ સખ્ત પગલાં લેશે.
ગૃહવિભાગે કહ્યું- મહોલ્લા કે ગ્રામ્ય સ્તરે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી
ગ્રામ્ય કક્ષાએ કે મહોલ્લામાં થતી માતાજીની આરતી કે પૂજા બાબતે કોઈ મંજૂરી લેવી જરૂરી નથી, પરંતુ સાર્વજનિક સ્થળોએ પોલીસની મંજૂરી ફરજિયાત છે. ક્લબ, સ્ટેડિયમ, ગ્રાઉન્ડ જેવા સ્થળોએ કે પર પોલીસની મંજૂરી લેવી પડે છે, પણ ગામડામાં ચોકમાં કે મહોલ્લામાં થતી માતાજીની આરાધના, પૂજા, આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નથી એમ ગૃહ વિભાગના સત્તાવાર સૂત્રોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું