બારાબંકીના સરકારી ટીચરે રજા લઈને ખેતી શરૂ કરી, ફળ-શાકભાજી ઉગાડ્યાં; આજે વર્ષે એક કરોડની કમાણી કરી રહ્યા છે

બારાબંકીના સરકારી ટીચરે રજા લઈને ખેતી શરૂ કરી, ફળ-શાકભાજી ઉગાડ્યાં; આજે વર્ષે એક કરોડની કમાણી કરી રહ્યા છે

ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના દૌલતપુરના રહેવાસી અમરેન્દ્ર પ્રતાપ સિંહે હાલ પોતાના વિસ્તારમાં ભારે ચર્ચામાં છે, જે પાછળનું કારણ છે તેઓ દ્વારા નવી ટેક્નિકથી કરવામાં આવતી ખેતી છે. હાલમાં તેઓ 60 એકર જમીન પર ખેતી કરે છે. એક ડઝનથી વધુ પાક ઉગાડે છે, જેનાથી વર્ષે એક કરોડ રૂપિયાની કમાણી થાય છે.

35 વર્ષના અમરેન્દ્ર એક સરકારી સ્કૂલમાં શિક્ષક છે, હાલ તેઓ લીવ વિથઆઉટ પે પર છે. ખેતી કરવા માટે તેમણે રજા લીધી છે. તેઓ કહે છે, “મારા ગામમાં લોકો ખેતી કરીને કંટાળી ગયા હતા, દરેક લોકો ખેતી કરવાથી ભાગી રહ્યાં હતા. મારાં બા ઘઉં, શેરડી જેવા પારંપરિક પાક ઉગાડતાં હતાં, જેમાં કમાણી ઘણી જ ઓછી થતી હતી. આટલું ઓછું હોય તેમ પૈસા પણ મોડા મળતા હતા.”

તેઓ જણાવે છે, “2014માં મેં ખેતી કરવાનું વિચાર્યું અને લખનઉથી પાછો ગામમાં આવી ગયો. અનેક લોકોએ મારા નિર્ણયનો વિરોધ કર્યો. સંબંધીઓએ કહ્યું કે હું મારા પગ પર કુહાડી મારી રહ્યો છું. બધા ખેતી છોડીને નોકરી કરવા માગે છે અને તું સરકારી નોકરી છોડીને ખેતી કરવા આવ્યો છો. કોઈ જ ફાયદો નથી આમાં.”

અમરેન્દ્ર હાલ 60 એકર જમીનમાં ખેતી કરે છે, જેમાંથી 30 એકર જમીન પર પારંપરિક પાક અને બાકીની 30 એકર જમીન પર કેળાં, તરબૂચ, મશરૂમ, હળદર સહિત એક ડઝનથી વધુ ફળ અને શાકભાજીઓ ઉગાડે છે.
અમરેન્દ્ર કહે છે કે મેં નક્કી કર્યું હતું કે હવે જેકંઈ પણ થાય, ખેતી કરવી જ છે. મેં ગૂગલ અને યુટ્યૂબ પર ખેતી અંગે થોડું સર્ચ કર્યું. પછી કેળાંની ખેતીનો આઈડિયા મળ્યો. જે ખેડૂત પહેલેથી જ આની ખેતી કરતા હતા તેની પાસે જઈને આ અંગેની જાણકારી મેળવી. ખેતીની ઝીણામાં ઝીણી વાતને સમજ્યો.

જે બાદ બે એકર જમીન પર મેં કેળાંની ખેતી શરૂ કરી. પહેલા જ વર્ષે રિસ્પોન્સ સારો મળ્યો. બીજા વર્ષથી ખેતીનો વ્યાપ વધારી દીધો. કેળાંની સાથે સાથે બીજાં ફળ અને શાકભાજીઓ ઉગાડવા લાગ્યો.

તેઓ કહે છે, અનેક વખત અયોગ્ય હવામાનને કારણે પાક નબળો પડતો હતો. એનાથી બચવા માટે અમે અલ્ટરનેટિવ પ્લાન તૈયાર કર્યો. અમે એક પાકની સાથે બીજા પાક પણ ઉગાડી દેતા હતા, જેમ કે કેળાંની સાથે હળદર, મશરૂમ અને તરબૂચ લગાડી દીધાં, જેથી કોઈ એક પાક ખરાબ પણ થાય તો બીજાથી એની નુકસાની ભરપાઈ થઈ શકે.

અમરેન્દ્ર કહે છે કે નવી ટેક્નિકથી ખેતી કરવામાં આવે તો ઘણો જ સ્કોપ છે. માત્ર પારંપરિક ખેતીના ભરોસે ન રહી શકાય.
શરૂઆતમાં તો અમે પોતે જ મંડીમાં જઈને શાકભાજી અને ફળ વેચતા હતા. ધીમે-ધીમે લોકોએ અમારા વિશે માહિતી મેળવી, તો હવે લોકો પોતે જ અમારા ખેતર પર આવે છે. અમારે ત્યાંથી ટ્રક ભરી ભરીને લખઉન, વારાણસી, દિલ્હી જેવાં શહેરોમાં જાય છે.

અમરેન્દ્ર હજુ 60 એકર જમીન પર ખેતી કરે છે, જેમાંથી 30 એકર જમીન પર પારંપરિક પાક અને બાકીની 30 એકર જમીન પર કેળાં, તરબૂચ, મશરૂમ, હળદર, સ્ટ્રોબેરી અને કાકડી સહિત લગભગ એક ડઝનથી વધુ ફળ અને શાકભાજીઓ ઉગાડી રહ્યા છે. તેમની સાથે 35 લોકો કામ કરે છે. તેમની પાસેથી અનેક ખેડૂતો પણ ખેતી શીખી રહ્યા છે.

તેઓ આગળ જણાવે છે, અમે લાઇસન્સ લઈ લીધું છે. હવે અમે ફૂડ પ્રોસેસિંગ અને જ્યૂસ પણ તૈયાર કરવાના છીએ. આ પ્રોજેક્ટ પર કામ પણ શરૂ થઈ ગયું છે. થોડા દિવસોમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ અમારી પ્રોડક્ટ ઉપલબ્ધ થશે.

અમરેન્દ્ર 2014થી ખેતી કરી રહ્યા છે, તેમની સાથે 35 લોકો જોડાયેલા છે.
અમરેન્દ્ર કહે છે, નવી ટેક્નિકથી ખેતી કરવામાં આવે તો તેમાં ઘણો જ સ્કોપ રહેલો છે. માત્ર પારંપરિક ખેતીના ભરોસે ન રહી શકાય. તેમણે ખેતી માટે કોઈ નવી ટેક્નિક નથી લીધી, પરંતુ ગૂગલ અને યુટ્યૂબ પર જ ખેતી અંગે નવી નવી વસ્તુઓ શીખી રહ્યા છે. હવે તેઓ ઘણી બાબતોના જાણકાર બની ગયા છે. તેઓ જિલ્લાના બીજા ખેડૂતોને પણ ખેતી શીખવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *