કડક સુરક્ષાની વચ્ચે પીડિતાનો પરિવાર સવારે લખનઉ જવા રવાના, CBI આજે બુલગઢી ગામ જશે; ગઈકાલે મુખ્ય આરોપી સંદીપ પર કેસ નોંધાયો હતો

કડક સુરક્ષાની વચ્ચે પીડિતાનો પરિવાર સવારે લખનઉ જવા રવાના, CBI આજે બુલગઢી ગામ જશે; ગઈકાલે મુખ્ય આરોપી સંદીપ પર કેસ નોંધાયો હતો

ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત બળાત્કાર અને તેના મોતના મામલામાં આજે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠમાં મહત્ત્વની સુનાવણી થવાની છે. આ મામલો અંતિમસંસ્કાર ટાઈટલ અંતર્ગત લિસ્ટેડ છે. પીડિત પરિવાર સવારે સુરક્ષાની વચ્ચે લખનઉ રવાના થઈ ગયો છે. 1 ઓક્ટોમ્બરે કોર્ટે મામલાને જાતે નોટિસ કર્યો હતો.

કોર્ટે રાજ્યના અપર મુખ્ય સેક્રેટરી ગૃહ અવનીશ અવસ્થી, ડીજીપી એચ. સી. અવસ્થી, એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર સિવાય હાથરસના ડીએમ અને એસપીને સમન્સ પાઠવ્યું છે. પીડિત પરિવારે પણ કોર્ટમાં જુબાની માટે હાજર રહેવાનું છે. હાઈકોર્ટમાં સરકાર તરફથી વિનોદ શાહી ઉપસ્થિત રહેશે, જ્યારે કોર્ટે વરિષ્ઠ વકીલ જે. એન. માથુરને અમિક્સ ક્યૂરી(ન્યાય મિત્ર) બનાવ્યો છે.

પીડિત પરિવારને લખનઉ છ કારથી એસ્કોર્ટ કરીને લઈ જવામાં આવી રહ્યો છે.
પરિવારના પાંચ લોકો કોર્ટમાં આપશે જુબાની
પીડિતાનો પરિવાર સવારે 5 વાગ્યે હાથરસથી નીકળ્યો છે. પીડિતાનાં માતા-પિતા, બે ભાઈ અને એક ભાભી લખનઉ જઈ રહ્યાં છે. એસડીએમ અંજલિ ગંગવાર અને સીઓ શૈલેન્દ્ર બાજપેયીએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી રાખી છે. બે કારમાં પીડિતાનો પરિવાર છે, જ્યારે છ કાર તેમના એસ્કોર્ટ માટે છે. ભાઈએ કહ્યું, જે પણ ઘટના થઈ છે એ વિશે તે કોર્ટને જણાવશે. તે ઘટના સમયે હાજર હોવાથી તે પોતાની વાતને કોર્ટ સમક્ષ રજૂ કરશે. આ પહેલાં તેણે રવિવારે રાતે લખનઉ જવાનો ઈન્કાર કર્યો હતો. પીડિતાના ભાઈએ કહ્યું, રાતે અમારી સાથે કંઈ પણ થઈ શકે છે. અમને પ્રશાસન પર ભરોસો નથી.

સાદા ડ્રેસમાં મહિલા પોલીસ અધિકારી સુરક્ષામાં તહેનાત છે.

CBI આજે ઘટનાસ્થળની તપાસ કરશે
કેસ ફાઈલ થયા પછી સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચે હાથરસ જઈને તપાસ શરૂ કરી દીધી છે. તપાસ મહિલા ડેપ્યુટી એસપી સીમા પાહુજા કરી રહ્યાં છે. સીબીઆઈએ રવિવારે જ પોલીસ પાસેથી એફઆઈઆર અને દસ્તાવેજ લઈ લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સીબીઆઈની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચશે. સીબીઆઈ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ હાજર રહેશે અને ઘટનાસ્થળના નિરીક્ષણ પછી પુરાવા ભેગા કરવાનું કામ કરશે. તપાસ અધિકારીઓ સાથે પણ વાત કરવામાં આવશે. સીબીઆઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પહેલેથી ફોરેન્સિક ટીમ દ્વારા લેવામાં આવેલાં તપાસનાં સેમ્પલ અને તે સંબંધિત પુરાવા ભેગા કરવાનું કામ કરશે.

શું છે સમગ્ર ઘટના?
હાથરસમાં 14 સપ્ટેમ્બરે 4 લોકોએ 19 વર્ષની છોકરી સાથે કથિત ગેંગરેપ કર્યો હતો. એવો પણ આરોપ છે કે છોકરીની કમર પણ તોડી નાખવામાં આવી હતી અને જીભ પણ કાપી નાખવામાં આવી હતી. દિલ્હીમાં 15 દિવસની સારવાર પછી 29 સપ્ટેમ્બરે છોકરીનું મોત થયું હતું. ચારેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે પોલીસનો દાવો છે કે દુષ્કર્મ થયું જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *