હાથરસ ગેંગરેપ પીડિતની લાશ સળગાવ્યાના 3 દિવસ પછી પોલીસે મીડિયાને પીડિતના ગામમાં એન્ટ્રી આપી દીધી છે. મીડિયા સાથે વાતચીતમાં પીડિત પરિવારે પોલીસ અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. માતાએ કહ્યું, છેલ્લી વખત દીકરીનું મોઢું પણ ન જોવા દીધું, અમને તો એ પણ ખબર નથી કે પોલીસે કોની લાશ સળગાવી અને અમે કોણા હાડકાં લાવ્યાં છીએ. સાથે જ પીડિતાની ભાભીએ કહ્યું, પોલીસે અમારી સાથે મારઝૂડ કરી. આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થવી જોઈએ. અમારો નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કહેવામાં આવી રહી છે, પણ નાર્કો ટેસ્ટ તો ડીએમનો હોવો જોઈએ. પીડિતના ભાઈએ જણાવ્યું, બુધવારે રાતે 10 વાગ્યા સુધી પોલીસ ઘરે રહી હતી. આ દરમિયાન કોઈને ક્યાંય જવા દીધા ન હતા. અમને કોઈની ખબર નથી. અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે તપાસ યોગ્ય રીતે થાય.
હાલ માત્ર મીડિયાને એન્ટ્રી, નેતાઓને નહીં
હાથરસ સદરના એસડીએમ પ્રેમ પ્રકાશ મીણાએ કહ્યું હતું કે હાલ માત્ર મીડિયાને ગામની અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે, બાકીના લોકોને મંજૂરી માટે ઓર્ડર આવતાંની સાથે જ બધાને જણાવી દઈશું. આ આરોપ ખોટા છે કે પીડિત પરિવારના ફોન લઈ લેવામાં આવ્યા છે અને તેમને ઘરમાં કેદ કરી દેવાયા છે.
હાથરસના એસપી સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ
હાથરસ કેસમાં પોલીસ-તંત્રના વલણના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે યોગીસરકારે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. શુક્રવારે સરકારે હાથરસના એસપી વિક્રાંત વીર સહિત 5 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.
DM વિરુદ્ધ અત્યારસુધી એક્શન નથી લેવાઈ
ગેંગરેપનો શિકાર બનેલી યુવતીની લાશ ઉતાવળમાં સળગાવ્યા પછી પોલીસતંત્ર પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પરિવારે આરોપ લગાવ્યો હતો કે ડીએમ પ્રવીણ કુમાર લક્ષકારે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે યુવતી કોરોનાથી મરી જાત તો શું વળતર મળતું? જોકે સરકારે ડીએમ વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
શું છે આખો મામલો?
હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે 4 લોકોએ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીની કમરનું હાડકું તોડી દીધું અને તેની જીભ પણ કાપી દીધી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થઈ ગયું. પોલીસે મંગળવારે રાતે ગામમાં લાવીને લાશને સળગાવી દીધી. આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જોકે પોલીસનો દાવો છે કે દુષ્કર્મ નથી થયું.