સુરતમાં ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટ હેતલ શાહે જણાવ્યું હતું કે, રવિવારના દિવસે બપોરના 12.22 વાગ્યે હું હોપ પુલ પરથી પસાર થઇ રહ્યો છે. અચાનક મારી નજર એક દૃશ્ય પર ગઈ. પુલની બરોબર વચ્ચે આવી એક મહિલાએ ચંપલ ઉતાર્યા, પુલની ગ્રીલ પર ચઢી શકાય એટલે દુપટ્ટો પણ બાંધી લીધો હતો. જિંદગી અને મોત વચ્ચેની માત્ર થોડી જ સેકન્ડ બાકી હતી ત્યાં મારી આગળવાળા એક ભાઇએ મોટેથી બુમ પાડી ‘એ..બેન..તમે આ શું કરો છો ? ’ કંઇ અજુગતું થઇ રહ્યું હોવાનો ભાસ મને થઇ ગયો. સામાન્ય રીતે કોઇ પણ ઘટના બને ત્યારે બેગમાંથી કેમેરો કાઢી સમાચાર મેળવવા એ પ્રાથમિકતા હોય છે. જો કે આ ઘટનામાં સૌથી પહેલા તો મેં એ મહિલાની જિંદગી વિશે વિર્ચાયું. ધીરે-ધીરે એ મહિલાની નજીક ગયો અને તેમને કહ્યું, ‘બહેન, પહેલા તો તમે ચિંતા ન કરો અને થોડા રેલિંગથી થોડા સાઇડમાં આવી જાવ, આપણે વાત કરીએ.’
હેતલ શાહ આગળ કહે છે કે, આપઘાત કરવાના ઇરાદે આવેલા તે મહિલા અમને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. એટલે મેં સાંત્વના આપતા કહ્યું કે ‘બધું બરાબર થઇ જશે, તમે ચિંતા ન કરો, તમારી સમસ્યા અમને કહો, કંઇક સમાધાન જરૂર નીકળી જશે.’ તેમણે કહ્યું કે ‘મારા પતિના પહેલા પત્નીનો છોકરો અને છોકરી વાળ પકડીને મારે છે, કાયમી હાથ-લાતથી માર્યા જ કરે છે. હવે મારાથી સહન નથી થતું..તો બીજું શું કરું ? ’ સામાન્ય રીતે કોઇની ઘટના કે બનાવ હોય ત્યારે હું પ્રોફેશનલ કેમેરાનો ઉપયોગ કરું છું. પણ આવી સંવેદનશીલ ઘટના હતી કે જેમાં કેમેરાનો ઉપયોગ ન કર્યો. પણ ફરજના ભાગરૂપે ડાબા હાથેથી મોબાઇલમાં અંદાજે ત્રણ ફોટો ક્લીક કર્યા.
હું 10 મિનિટ સુધી તે મહિલાની સાથે જ રહ્યો. મહિલા થોડા સ્વસ્થ્ય થયાં. આપઘાત કરવાનો આવેલો ક્ષણિક વિચારમાંથી હવે તે બહાર આવી ગયા હોય તેવું લાગ્યું. તેમણે ફરી કહ્યું કે‘પીયરમાં મારા માતા-પિતા, ભાઇ-બહેન કોઇ નથી.’ આ સાંભળી પોલીસની મદદ લેવા માટે તે મહિલાને મેં જણાવ્યું પણ વળતો જવાબ મળ્યો કે તેમના પતિ પથારીવશ હોવાથી પોલીસમાં જવાની મનાઇ કરી. અંતે એક સેવાભાવી ભાઇ આવ્યા અને તેમને મોપેડમાં બેસાડી લાલગેટ પાસેના એક વિસ્તારમાં આવેલા મહિલાના ઘરે લઇ ગયા.