ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસ સાથે ઘર્ષણ, અનેકની અટકાયત

ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસ સાથે ઘર્ષણ, અનેકની અટકાયત

કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા કેન્દ્રના આ બિલને કૃષિવિરોધી બિલ ગણાવી ગાંધીનગર ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પોલીસની મંજૂરી વગર વિરોધપ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેના પગલે એક સમયે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

કોંગ્રેસ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કૃષિ બિલનો વિરોધ.

પહેલે લડે થે ગોરોસે અબ લડેગે ભાજપ કે ચોરો સેઃ અમિત ચાવડા
કોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે આ દેશમાં ખેડૂત જે જગતનો તાત, અન્નદાતા કહેવાય એ કોઈકને ત્યાં ગુલામ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ આ ભાજપ કરી રહી છે. ગુજરાત અને દેશમાં મંડીઓ, APMCની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે. કંપનીઓ તેમને ફાવે તેવા ભાવે ખરીદી કરશે અને ફાવે તેવી સંગ્રાહખોરી કરી નફાખોરી કરવામાં આવશે. ત્યારે ખેડૂતોને બિચારા-બાપડા બનાવી અને માલેતુજાર કંપનીના હાથે આ દેશને ગીરવી મૂકવાનું કામ આ ભાજપ કરી રહ્યો છે જેના વિરોધમાં આજે કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઊતર્યો છે અને લોકશાહી ઢબે વિરોધ કરવાની છૂટ પણ આ ભાજપની સરકાર આપતી નથી. જે રીતે અંગ્રેજોના શાસનમાં કોઈ અવાજ ન ઉઠાવે અને ગુલામી પ્રથા હતી. એ જ શાસન પાછું લાવવાનું કામ ભાજપ કરી રહ્યો છે. અમે ભાજપના નેતાઓને કહેવા માગીએ છીએ કે પહેલે લડે થે ગોરોસે અબ લડેગે ભાજપ કે ચોરો સે, પરંતુ ખેડૂતના હક-અધિકાર લઇને રહીશું.

જગતના તાતની આજીવિકા છીનવવાનું ષડ્યંત્રઃ પરેશ ધાનાણી
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ ખેડૂતવિરોધી ભાજપની સરકારે જગતના તાતને જેલમાં ધકેલવાનું, તેની આજીવિકા છીનવવાનું ષડયંત્ર રચ્યું છે. આજે APMC માર્કેટ સમાપ્ત કરી અને નાના ખેડૂત ક્યાં પોતાનો માલ વેચવા જશે એ સમગ્ર દેશના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે. મને લાગે છે કે આ ખેડૂતવિરોધી, મજૂરવિરોધી, ગરીબવિરોધી કાયદાઓને કારણે આઝાદી પહેલાંના ભારતનું નિર્માણ થશે. નવી ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓને આ દેશના ગરીબ, મજૂર, ખેડૂતના પરસેવાની કમાણીને લૂંટવા મોકળું મેદાન મળશે અને આવનારા દિવસોમાં ગુલામ બનાવનારા આ ખેડૂતવિરોધી, ગરીબવિરોધી, ગામડાંવિરોધી કાયદાનો વિરોધ કોંગ્રેસ આવનારા દિવસોમાં ગામડાંની ગલીઓ સુધી આક્રમક વિરોધ કરશે. આવનારા દિવસોમાં રાજ્યનાં 18 હજાર ગામડાં, સમગ્ર રાજ્યમાં અહિંસાના માર્ગે આંદોલનને આક્રમકતા સાથે આગળ લઇ જઇશું.


ગાંધીનગર જતાં વડોદરા કોંગ્રેસના 25 કાર્યકરની અટકાયત
કેન્દ્ર સરકારે કૃષિ અને ખેડૂતવિરોધી 3 બિલ મંજૂર કર્યાં હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ન્યાયકૂચનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ગાંધીનગર ખાતે ન્યાયકૂચમાં ભાગ લેવા જાય એ પહેલાં જ પોલીસે 25 જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી, જેમાં વડોદરામાં રહેતી દીકરીને મળવા માટે મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પણ પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ પોલીસની કામગીરીને લોકશાહીની હત્યા ગણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *