જયંતી કથેલ આઈટી કંપનીમાં કામ કરતી હતી અને લાખોની કમાણી કરતી હતી. નોકરી દરમિયાન તે ઘણા દેશોમાં રહી. તે જે પણ દેશમાં રહેતી ત્યાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેને મનગમતું ભોજન નહોતું મળતું. મોટા ભાગની જગ્યાએ નોન-વેજિટેરિયન ફૂડ જ મળતું હતું, જે તેના પતિ નહોતા ખાતા. બેંગ્લુરુમાં શિફ્ટ થઈ ત્યારે પણ તે તેના મરાઠી ભોજનને મિસ કરતી હતી. માર્કેટની આ અછત તે ઓળખી ગઈ અને પછી શરૂ થઈ પૂર્ણબ્રહ્મ બનવાની કહાણી, જેની આજે દેશ-વિદેશમાં 11 બ્રાન્ચ છે. જયંતી પાસેથી જ જાણીએ તેની સફળતાની કહાણી…
આઈટી ફિલ્ડમાં મેં મારા કરિયરની શરૂઆત 2000માં કરી હતી. 2006થી 2008 સુધી ઓસ્ટ્રેલિયામાં રહી. મારા પતિ પણ આઈટી કંપનીમાં કામ કરતા હતા. નોકરી દરમિયાન અંદાજે 12થી 13 દેશમાં ગઈ. દરેક જગ્યાએ હું શાકાહારી મરાઠી ખાવાનું ખૂબ મિસ કરતી હતી. ઘણી જગ્યાએ તો માત્ર નોન-વેજનો જ ઓપ્શન હતો. હું તો નોન-વેજ ખાઈને પણ પેટ ભરી લેતી હતી, પરંતુ મારા પતિ એ બિલકુલ નહોતા ખાઈ શકતા. તેઓ ફાસ્ટફૂડ અને સલાડ ખાઈને કામ ચલાવી લેતા.
2008માં જ્યારે હું ઓસ્ટ્રેલિયાથી બેંગ્લુરુ પરત આવી ત્યારે 3-4 મહિના ઈડલી સંભાર અને ઢોસા ખાવાની ખૂબ મજા લીધી, પરંતુ થોડા સમય પછી પાછી મરાઠી ખાવાની યાદ આવવા લાગી. જોબની સાથે ઘરે રોજ કંઈક બનાવવું મુશ્કેલ થતું હતું. પછી મેં વિચાર્યું કે હવે આ સેક્ટરમાં જ કંઈક કરવું જોઈએ, જોકે ત્યારે મેં મારો આ આઈડિયા કોઈની સાથે શેર નહોતો કર્યો. મને થયું જે તકલીફ મને છે એ અહીં રહેતા હજારો લોકોને હોઈ શકે છે.
ત્યાર પછી નોકરી સાથે અંદાજે 3 વર્ષ સુધી મેં આ સેક્ટરમાં રિસર્ચ કર્યું. અલગ-અળગ રેસ્ટોરાંમાં જતી હતી અને ત્યાનું મેનુ જોતી હતી. ત્યાંનો ટેસ્ટ જોતી હતી અને એ વસ્તુ નોટ્સ કરતી જે તેમના મેનુમાં ન હતી. ઘણાં પ્રસિદ્ધ મંદિરોમાં પણ ગઈ અને ત્યાંનો ટેસ્ટ પણ ચેક કર્યો. ભગવાનને બસ એ જ પ્રાર્થના કરતી કે હું કંઈક મોટું કરવાનું વિચારી રહી છું, બસ, મારા પગ પાછા ન પડે. મેં બેંગ્લુરુની હોટલ્સમાં એ વાત માર્ક કરી કે તેમની પાસે બાળકો માટે કોઈ ખાસ વરાઇટી નથી. વૃદ્ધો માટે તેઓ ઓછા તેલ-મરચાંવાળું જમવાનું તો આપતા હતા, પરંતુ એ વધારે ડાઈજેસ્ટિવ ન હતું.


ત્રણ વર્ષ સુધી આ બધું જોયા પછી મેં મારું મેનુ તૈયાર કર્યું. આ દરમિયાન ઈન્ટરનેશનલ ફૂડ બ્રાન્ડ્સ પણ રિસર્ચ કરી, જેમ કે કોઈ ચાઇનીઝ રેસ્ટોરાં છે તો ત્યાં જઈને જોયું કે કૂક કોણ છે. ખબર પડી કે કૂક તો લોકલ લોકો જ હોય છે. મારો હેતુ ઓથેન્ટિક મહારાષ્ટ્રિયન ફૂડ આપવાનો હતો. મગજમાં કોન્સેપ્ટ તો તૈયાર થઈ ગયો હતો, મેનુ પણ તૈયાર હતું. અંદાજે મેં 700 રેસિપી રિસર્ચ કરીને રાખી હતી, એમાંથી 180 રેસિપીમાંથી શરૂઆત કરવાની હતી, પરંતુ ફાઈનાન્શિયલ સપોર્ટ ન હતો.


ઘણા લોકો સાથે વાતચીત પછી મારી બે ફ્રેન્ડ પાર્ટનર બનવા માટે તૈયાર થઈ હતી. અમે ત્રણેયે 6-6 લાખ ભેગા કરીને 18 લાખ રૂપિયા 2012માં બેંગ્લુરુમાં અમારી રેસ્ટોરાં શરૂ કરી. કુકને મેં જાતે ટ્રેનિંગ આપી. ઘરે દાદી અમને આખી થાળી ફિનિશ કરીએ તો 1-1 રૂપિયો આપતાં હતાં અને થાળીમાં જમવાનું બાકી રાખીએ તો વાસણ ઘસવાની સજા પણ મળતી હતી. તો મેં આવો રુલ રેસ્ટોરાંમાં પણ બનાવ્યો કે જે બધું ફૂડ ફિનિશ કરશે તેને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જે લોકો ફૂડ બાકી રાખશે તેને 2 ટકા એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. ભાડાંના બિલ્ડિંગમાં રેસ્ટોરાં શરૂ કરવામાં આવી હતી. અમને શરૂઆતના આઠ મહિનામાં એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે જગ્યા બદલવી પડી અને મોટી જગ્યા લેવી પડી.

