11 એપ્રિલ 2017. સાંસદ કમલા પાટલેએ સંસદમાં સવાલ પૂછ્યો કે વીઆઈપીની પરિભાષા શું છે? તત્કાલીન ગૃહરાજ્ય મંત્રી હંસરાજ ગંગારામ આહીરે જવાબ આપ્યો કે વીઆઈપી કે વીવીઆઈપી જેવો કોઈ સત્તાવાર શબ્દ જ નથી. આમ છતાં દેશમાં વીઆઈપી કલ્ચર સતત વધી રહ્યું છે. હાલમાં જ ફિલ્મ-અભિનેત્રી કંગના રનૌતને કેન્દ્રીય ગૃહમંત્રાલયે ‘વાય’ કેટેગરીની સુરક્ષા આપી. ભાસ્કરે આ ટ્રેન્ડની તપાસ કરી તો માલૂમ પડ્યું કે હાલ દેશમાં 20,888 વીઆઈપી સુરક્ષામાં 56,944 જવાન તહેનાત છે, એટલે કે એક વીઆઈપીની સુરક્ષા માટે ત્રણ હજાર જવાન, જ્યારે સામાન્ય માણસની સુરક્ષાની વાત કરીએ તો દેશમાં કુલ 19.26 લાખ પોલીસ જવાન છે, એટલે કે દર 666 વ્યક્તિએ ફક્ત એક જવાન.
સીઆરપીએફના નિવૃત્ત સ્પેશિયલ ડીજી અને એનસીઆરબીના પૂર્વ ડીજી એન. કે. ત્રિપાઠી કહે છે કે કેન્દ્ર અને દરેક રાજ્યમાં કોને સુરક્ષા આપવી એ માટે સમિતિ બનાવાઈ છે, પરંતુ તેમાં બહુ જ રાજકીય દખલીગીરી છે. સુરક્ષાનો ઉપયોગ સૂટકેસ ઉઠાવવામાં પણ થાય છે. જેને ખતરો હોય તેને જ સુરક્ષા આપવી જોઈએ, પરંતુ તેનો ઉપયોગ ટોલ નાકા પર દસ રૂપિયા બચાવવા માટે પણ થાય છે. કેન્દ્રએ જે રીતે કાર પરથી લાલ બત્તી હટાવી, એ રીતે રાજકીય કારણસર અપાતી સુરક્ષા પણ હટાવવી જોઈએ.
આ રીતે વધતી ગઈ વીઆઈપી સુરક્ષા, 2015માં ફક્ત 257
દેશમાં 2015માં 257 લોકોને કેન્દ્ર સરકારે સુરક્ષા આપી હતી, જે સંખ્યા વધીને 450 થઈ ગઈ છે. આ 450 લોકોની સુરક્ષા પર કેન્દ્રીય સુરક્ષાદળોના પાંચ હજારથી વધુ જવાન તહેનાત છે, એટલે કે એક વીઆઈપી પાછળ આશરે દસ હજાર જવાન. જોકે આ લોકોને સુરક્ષા કેમ અપાઈ છે અને તેમની પાછળ કેટલો ખર્ચ થાય છે.
કોને આપી સુરક્ષા?:આરટીઆઈ હોય કે સાંસદોના સવાલ. વીઆઈપી સુરક્ષા કોને અપાઈ એ અંગે સવાલના જવાબ નથી અપાયા. 2014માં ઓવૈસી, 2015માં સાંસદ આર. મારુથરાજા, 2016માં સી. ગોપાલકૃષ્ણ, 2017માં ગોપાલ ગોડસે, 2018માં હરીશ મીના, 2020માં દયાનિધિ મારને વીઆઈપી સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા. દર વખતે એક જ જવાબ મળ્યો કે ગુપ્તતાની દૃષ્ટિએ જાણકારી ના આપી શકીએ.
સુરક્ષાનો ખર્ચ કેટલો?: સંસદના લગભગ દરેક સત્રમાં સવાલ કરાય છે કે દેશમાં વીઆઈપી સુરક્ષા પાછળ કેટલો ખર્ચ કરાય છે? પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલયનો એક જ જવાબ હોય છે કે જ્યાં સુધી સુરક્ષા ખર્ચની વાત છે તેની ચોક્કસ ગણતરી કરવી મુશ્કેલ છે, કારણ કે એમાં સુરક્ષાદળોનાં પગાર, ભથ્થાં, વાહનવ્યવહાર, ફોન ખર્ચ વગેરે સામેલ હોય છે, તેથી એ જણાવી ના શકાય.