મોડી રાત્રે લિંબાયતમાં ઉધના યાર્ડ રતન ચોક પાસે રાકેશ નામના બુટલેગર પર તેના વિરોધીએ હુમલો કરીને હત્યા કરવાની કોશિષ કરી છે. રાકેશ પાટીલ બુટલેગર છે. રતન ચોક વિસ્તારમાં રહેતા શનિ નામના બદમાશ સાથે તેને જુની અદાવત હતી. રાકેશને શનિ મારવા માટે ગયો હતો. ફટકા,ઇંટથી શનિના માણસો રાકેશ પર તૂટી પડ્યા હતા. જેથી તેનું મોઢું છુંદાઈ ગયું હતું. દરમિયાન રાકેશે પિસ્તોલ કાઢી ફાયરિંગ પણ કર્યું હતું.
હુમલાખોરો બુટલેગરને રસ્તા પર જ અધમરો કરી ભાગી ગયા
બુટલેગર રાકેશ પોતાની બાઇક લઇને લિંબાયત થી પસાર થઇ રહ્યો હતો. ત્યારે લિંબાયતના રતન ચોક ખાતે લિંબાયત વિસ્તારના બુટલેગર સનીએ તેના સાગરીતો સાથે તેની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલો એટલી ક્રૂર રીતે કરાયો હતો કે, લાકડાના ફટકા અને પથ્થરો વડે તેનું મોઢું છૂંદી નાખ્યું હતું. આ હુમલાથી બચવા રાકેશે તેની પાસે રહેલ પિસ્તોલ વડે ફાયરિંગ પણ કર્યુ હતું. જોકે, ગોળી કોઈપણને વાગી ન હતી અને અંતે આ હુમલાખોરો રાકેશને રસ્તા પર જ અધમરો કરી ભાગી ગયા હતા.
બુટલેગરને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
લિંબાયત પોલીસને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે કાફલો દોડી ગયો હતો અને ગંભીર હાલતમાં પડેલા રાકેશને સૌપ્રથમ તો રિક્ષામાં જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા લઈ જઈ રહ્યા હતા. જોકે, સમયસર 108 એમ્બ્યુલન્સ આવી જતાં તેને એમ્બ્યુલન્સ મારફતે પહેલા તો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જુની અદાવતમાં હુમલાની આશંકા
આ હુમલા પાછળનું હાલ તો કોઈ કારણ પ્રકાશમાં આવ્યું નથી. જોકે, રાકેશ બુટલેગર છે અને શનિ પણ બુટલેગર છે. જેથી ધંધાની હરીફાઈ લઈને આ લોકો વચ્ચે કોઈ જુની અદાવત હશે અને અંતે સનીએ રાકેશને એકલો જોઈ તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો.