જિદ્દી ગુજરાતી, જે મોત સામે જીતી ગયા:અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના 8 કોરોના યોદ્ધાઓની કહાની તેમના જ શબ્દોમાં

જિદ્દી ગુજરાતી, જે મોત સામે જીતી ગયા:અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના 8 કોરોના યોદ્ધાઓની કહાની તેમના જ શબ્દોમાં

1 લાખ ગુજરાતીઓએ કોરોનાને હાર આપી દીધી. મહામારીના આ દોરમાં નિશ્ચિતપણે આ સમાચાર આપણો જુસ્સો વધારે એવા છે. ગુજરાતે કોરોનાના કારણે ત્રણ હજારથી વધારે સ્વજનોને ગુમાવ્યા છે. આ દુ:ખ ક્યારેય ઓછું થઈ શકે એમ નથી. પણ જે એક લાખ લોકોએ નવજીવન મેળવ્યું છે તેમનો બીમારીનો સામનો કરતી વખતનો સંઘર્ષ અકલ્પનીય છે. અહીં અમે ગુજરાતના આવા જ કેટલાક કિસ્સા જણાવી રહ્યા છીએ જે સૌને શીખવે છે કે કોઈ પણ બીમારી કે મુસીબતમાં જો હિંમતથી કામ લેવામાં આવે, જીતવાનો જુસ્સો રાખવામાં આવે અને પરિવારનો સાથ હોય તો આપણે જીતી શકીએ છીએ. વાંચો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના 8 કોરોના યોદ્ધાઓની કહાની તેમના જ શબ્દોમાં…

પરિવારના 14 સભ્ય કોરોનાગ્રસ્ત થયા, 3નાં મોત થયા, કોઈ હિંમત હાર્યું નહીં, તમામ કોરોનામુક્ત
રાજકોટના વનરાજ હુંબલે જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે જુલાઈ મહિનો સૌથી દુ:ખદાયક રહ્યો છે. મારા કાકાનું અવસાન થયું અને થોડા જ દિવસ પછી મારા માતા-પિતા અને કાકી કોરોના પૉઝિટિવ આવ્યા. આ સ્થિતિ બધા માટે આંચકા સમાન હતી તુરંત જ નિર્ણય લીધો કે હવે બધા જ કોરોના ટેસ્ટ કરાવશું. અમારા આખા પરિવારે ટેસ્ટ કરાવ્યા અને માત્ર 4 સભ્યોને છોડીને 15 પૉઝિટિવ આવ્યા જેમાં સૌથી નાના સભ્ય તરીકે 13 વર્ષનો દીકરો નિર્ભય પણ હતો. આ સાથે જ અમારા પરિવાર પર કોરોના મહામારી સૌથી મોટી આફત બનીને ત્રાટકી. આ એવી અણધારી આફત હતી જેની અમે ક્યારેય કલ્પના કરી નહોતી.

એક જ પરિવારની ત્રણ-ત્રણ પેઢી કોરોનાગ્રસ્ત થાય ત્યારે કેવી સ્થિતિ સર્જાય તેની ભાગ્યે જ કોઈને કલ્પના હશે. પરિવારના કેટલાક લોકોને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યા તો અન્ય કેટલાક સભ્યોને કોવિડ કેર સેન્ટરમાં એડમિટ કર્યા. જેટલા પણ વડીલ સભ્યો હતા તેમને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યા. દાખલ કર્યાના થોડા દિવસમાં જ મારા કાકીના અવસાનના આઘાતજનક સમાચાર મળ્યા. જે દિવસે મને ડિસ્ચાર્જ કર્યો અને અમે ઘરે પહોંચ્યા ત્યાં જ મારા-પિતા કોરોનાગ્રસ્ત થયા એવો ફોન આવ્યો. દુ:ખદ સમાચારો એક પછી એક આવી રહ્યા હતા.

માત્ર એક જ મહિનામાં અમારા પરિવારના ત્રણ મોભી સંસાર છોડીને ચાલ્યા ગયા ગયા. આ અમારા સૌ માટે અસહ્ય એવો વ્રજઘાત હતો. પણ અમે તેને સહન કરી શક્યા કારણ કે પરિવારના દરેક સભ્યોને ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાના કારણે એક પછી એક પડકારજનક સ્થિતિમાં પણ અમે હિંમત ગુમાવી નહોતી. પરિવારના બધા સભ્યો એકબીજાને સાંત્વના આપતા રહેતા. શ્રદ્ધા અને પરસ્પરના પ્રેમ થકી અમે કોરોના હંફાવવામાં સફળ રહ્યા. આજે અમે બધા કોરોનામુક્ત થઈ ગયા છીએ. હું દરેક જણને માત્ર એટલું જ કહેવા માગીશ કે કોરોના છે, છે અને છે જ. તે શારીરિકની સાથે માનસિક પીડા પણ આપે છે. તેથી તેને હળવાશથી ન લો. મોં પર માસ્ક અવશ્ય પહેરો તથા વાતચીત કરતી વખતે પૂરતું અંતર રાખો.

અમદાવાદના પ્રાકૃતિ પટેલ અને તેમનો પરિવાર.
અમદાવાદના પ્રાકૃતિ પટેલ અને તેમનો પરિવાર.

7 જણ સંક્રમિત થયા, જુદા થવું પડ્યું પણ હિંમત ન હાર્યા
અમદાવાદના પ્રાકૃતિ પટેલે કહ્યું કે, જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ઘરમાં એક સભ્યને કોરોના થયો. બીક હતી એટલે ઘરના તમામ સભ્યોના રિપોર્ટ કરાવી લીધા કેમ કે જોઈન્ટ પરિવારમાં રહેતા હોવાથી સભ્યોની સંખ્યા પણ ઘરમાં વધુ હતી. રિપોર્ટ કરાવ્યા એટલે બીજા છ સભ્યોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા. પણ બાકીના છ સભ્યોના રિપોર્ટ નેગેટીવ આવ્યા. પણ તેમના માટે કટોકટીની સ્થિતિ એટલે હતી કે ચેપ લાગે નહીં તેના માટે શું કરવુ. બીજે સ્થળાંતર થવું કે કેમ એ ગડમથલ હતી. જે પૉઝિટિવ છે તેમની દેખભાળની પણ ચિંતા હતી. ડોકટર્સની સલાહ મુજબ ઘરે જ કવોરન્ટાઈન થવાનું નક્કી કર્યું. હું અને મારા પતિ પાર્થ પટેલ ડોકટર છે એ બન્ને નેગેટિવ હતા.

30 કિલોમીટર દૂર બીજા ઘરે અમે સ્થળાંતર થઈ ગયા પણ એ ઘર નવેસરથી શરૂ કરવાનો વારો આવ્યો અને જે સભ્યો પૉઝિટિવ હતા તેમની પણ સંભાળ રાખવાની હતી. પણ અચાનક જે સભ્યો એસિમ્પ્ટેમેટીક હતા તેમને અશક્તિ અને બોડીપેઈન શરૂ થઈ ગયું. પરિવારના અન્ય સભ્યો જેમને કોરોના ઉપરાંત પણ અન્ય બીમારી હતી તેમની દવા અને સમયે સમયે અન્ય ખાવા-પીવાની બાબતોનું ધ્યાન રાખવું અઘરું બની ગયું હતંુ. ઘરના 12 સભ્યોમાંથી 7 સભ્યો એક સાથે પૉઝિટિવ હતા. મેં પણ કોરોનાની ડયુટી કરી હતી એટલે કૉમ્પ્લિકેશન્સ વધવાનો ખ્યાલ હતો. એક સભ્યની સ્થિતિ ગંભીર થતી હતી પણ સમયસર સારવારના કારણે તેમને હૉસ્પિટલાઇઝ કરવા પડયા નહીં. અમે વીડિયોકૉલ કરીને એકમેકને હિંમત આપતા. ધીમેધીમે બધા જ નેગેટીવ થયા. અને સાથે રહેતા થયા.

વડોદરાના અશોક પટની.

‘મને ઝેર આપી દો’ તો ડૉક્ટરે કહ્યું, ધારશો તો હરાવશો’ અને હું જીત્યો
વડોદરાના અશોક પટનીએ જણાવ્યું કે, દસમી એપ્રિલે મારા ભત્રીજાને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યો એના બીજા દિવસે હું પણ કોરોનામાં સપડાયો. 12 એપ્રિલે ભત્રીજાને કાયમ માટે ગુમાવ્યો. મારા ભત્રીજાની પ્લાસ્ટિક કવરમાં લપેટાયેલી લાશ મને બતાવવામાં આવી. સૂતા સૂતા આંસુ પાડ્યા સિવાય વિકલ્પ નહોતો. મારા પિતા સહિત પરિવારના છ લોકો સંક્રમિત થયાં હતા. પહેલીવાર 22મા દિવસે સાજો થઇને પરત આવ્યો, ક્વોરન્ટાઇન રહ્યો. કેટલાક દિવસ બાદ ફરી બીમાર પડ્યો. આ વખતે કોરોનાનો સાથ ન્યૂમોનિયાએ આપ્યો હતો. દિવસે દિવસે હાલત કથળતી જતી હતી. રોજની 20-20 ગોળીઓ, 10થી 12 બોટલો, ઇન્જેકશનો અપાતા હતા.પીડા એટલી કે ડોક્ટરને કહી દીધુ કે ઝેરનું ઇન્જેકશન આપી દો.’ ‘તમે ધારશો તો કોરોનાને હરાવી દેશો.’ ડૉક્ટરના આ વાક્યે મારામાં હિંમત ભરી દીધી. ધીમે ધીમે હાલત સુધરી. હવે કોરોના સામેની લડાઇ અને જિંદગી જોરદાર રીતે ચાલતી રહેશે.

અમદાવાદના ડૉ. એ.એન. મોમિન.
અમદાવાદના ડૉ. એ.એન. મોમિન.

સતત 26 દિવસ સંઘર્ષ કર્યો હવે ફરી કોવિડ ડ્યૂટી શરૂ કરી
અમદાવાદના ડૉ. એ.એન. મોમિને કહ્યું- મેડિકલ ઓફિસર તરીકે મારી ડયૂટી સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં હતી. અમે સોસાયટીઓમાં ફરીને ટેસ્ટિંગ કરતા. પણ જે ડર હતો તે જ થયું. 22 મેના રોજ ફરજ પરથી આવ્યા બાદ મને શરદી, માથાનો દુ:ખાવો થયો. પછી બોડી પેઇન થયું. પછી હું આઇસોલેટ થયો. શ્વાસ લેવામાં તકલીફ થતા એસવીપીમાં દાખલ થયો. ઓકિસજન લેવલ ઓછું થતા મને ઓકિસજન આપવાની શરૂઆત થઈ. રિપોર્ટ પોઝેટિવ આવતા મને આઈસીયુમાં શિફટ કરાયો. પરિવારના સભ્યો સાથે વાતચીત થઈ તેઓ સતત હિંમત આપતા. પણ પછી સ્થિતિ વધુ બગડતા મને વેન્ટીલેટર પર મૂક્યો. પણ મેં હિંમત રાખી અને સાજા થવાની આશાઓ પણ વધારી દીધી હતી બધી જ ચિંતા સાઈડ પર મૂકી દીધી. એ પછી મલ્ટિપલ ઓર્ગેન ફેઈલ થવા લાગ્યા હતા. બ્લડપ્રેશર પણ ઊંચુ જવા લાગ્યું હતું. ફેફસામાં ન્યૂમોનિયા ડિટેકટ થયો. કિડનીને પણ અસર થઈ હતી. સામે મોત ભમતુ હતું છતાં હિંમત અકબંધ હતી. એવામાં બ્લીડીંગ શરૂ થયું. એક પગમાં અલ્સર થઈ ગયુ. હું 8 દિવસ સુધી વેન્ટીલેટર પર મોત સામે ઝઝૂમતો રહ્યો. પરિવારજનો પણ માનસિક રીતે તૂટી ગયા હતા. પણ આખરે 26 દિવસના અંતે હું સ્વસ્થ થયો. હવે હું ફરી કોવિડ કેર સેન્ટરમાં ડયૂટી પર પાછો ફર્યો છું. અને કોવિડના દર્દીઓની સારવાર કરું છું.

સુરતના કનૈયાલાલ ઠક્કર અને તેમનો પરિવાર.
સુરતના કનૈયાલાલ ઠક્કર અને તેમનો પરિવાર.

67 વર્ષની વય, હાઇ ડાયાબિટીસ, 50% સંક્રમણ છતાં કોરાનાને હરાવ્યો
સુરતના કનૈયાલાલ ઠક્કર જણાવે છે કે, જ્યારે મને હોસ્પિટલમાં કોરોનાને કારણે દાખલ કરવામાં આવ્યો ત્યારે 375 ડાયાબિટિસ હતો. સિટી સ્કેન કરવાથી ખબર પડી કે, ફેફસાંમાં 50 ટકાથી વધારે ઈન્ફેકશનન છે. મને મોત મારી સામે દેખાતું હતું. મારી ઉંમર 67 વર્ષની છે, ડાયાબિટિસ પણ છે. બે દિવસ પછી ખબર પડી કે, મારી ત્રણેય પેઢીને કોરોના થયો છે. મારી પત્ની, મારો દીકરો તેમની વહુ, મારા 3 પૌત્ર પૌત્રી મળીને 7 લોકોને કોરોના થયો હતો. હોસ્પિટલમાં જ મારી ઉંમર કરતાં નાના લોકોને મૃત્યુ પામતા જોયા હતાં જેના કારણે મારા ડરમાં ‌વધારો થતો હતો. મારી જિંદગીમાં ક્યારેય પીડા ન ભોગવી હોય તેવી પીડા કોરોનાના પહેલાં 5 દિવસમાં થઈ હતી. બે વખત મને પ્લાઝમાં થેરપી પણ આપવામાં આવી હતી. જે દિવસે મને રજા આપવામાં આવી ત્યારે હું એટલો રાજી થયો કે જાણે મારો બીજો જન્મ થયો હોય. ઘરે ગયો ત્યારે મારા ફેમિલી મેમ્બરોને પણ કોરોના સાજો થઈ ગયો હતો. પાંચ મહિના ફરસાણની દુકાન બંધ રહી હતી. એક અઠવાડિયાથી અમે દુકાન ખોલવાની શરૂઆત કરી છે.

અમદાવાદના ડેનિશ શાહ પરિવાર સાથે.
અમદાવાદના ડેનિશ શાહ પરિવાર સાથે.

સાજા થયા, હવે બીજાને મદદ કરવાનું કામ અમે શરૂ કર્યું છે
અમદાવાદના ડેનિશ શાહે કહ્યું- અનલૉક પછી એક રાતે પતિને તાવ સાથે કોરોનાના લક્ષણો જોવા મળ્યા. પછી સાસુ-સસરાને બીજા મકાને મોકલીને અમે આઇસોલેટ થયા. પણ પછી અમારા સર્વન્ટે અને મારી દીકરીએ પણ તાવની ફરિયાદ કરી. આ તરફ સાસુ-સસરા રહેતા એ સોસાયટીએ વિરોધ કર્યો કે ટેસ્ટ નેગેટિવ આવશે તો જ અમે રહેવા દઈશું. તેમનો ટેસ્ટ કરાવતા બન્ને પૉઝિટિવ આવ્યા. અમારી ચિંતા અને ડર વધી ગયા. તેમને અમારા ઘરે લઈ આવ્યા. મારા પતિની તબિયત બગડતા તેમને અને એસ્થેમેટીક હોવાના કારણે સાસુને હૉસ્પિટલમાં દાખલ કર્યા. બાદમાં સસરાને પણ દાખલ કર્યા. હવે અમને ચેપ લાગવાનો ડર નહોતો પણ મોતનો ડર લાગવા લાગ્યો. પતિ થોડા દિવસમાં સાજા થઈને ઘરે આવ્યા. પણ લોકોનું વર્તન વિચિત્ર હતું. તેઓ અસ્પૃશ્ય હોય એ રીતે વર્તન કરતા. હું રૂમમાં એકલા બેસીને હું રડયા કરતી. સ્ટ્રેસ અને ડરથી બીમારી વકરે છે. કોરોના એ માઈન્ડ ગેમ છે. સહાનુભૂતિથી મદદ મળે છે. સાજા થયા બાદ અમે હવે કોરોનાનો ભોગ બનેલા લોકો તથા મેડિકલ સ્ટાફને મદદ કરી રહ્યાં છીએ.

રાજકોટના ડૉ. મેઘલ અનડકટ.
રાજકોટના ડૉ. મેઘલ અનડકટ.

જે પરિવાર મારા લીધે સંક્રમિત થયો એ જ પરિવારે કહ્યું, પહેલા દર્દીઓની સારવાર
રાજકોટના ડૉ. મેઘલ અનડકટે કહ્યું- સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પહેલો પૉઝિટિવ કેસ આવ્યો ત્યારથી જ મેડિસિન વિભાગની જવાબદારી વધી ગઈ હતી. અમે બધા લડત માટે માનસીક રીતે તૈયાર જ હતા પણ પરિવારની ચિંતા સતાવતી હતી. અમે તો જોખમ સામે લડીએ જ છીએ પણ મારા લીધે પરિવારને મુશ્કેલીજનક સ્થિતિમાં મુકાવું પડે નહીં એ જ મારી સૌથી મોટી ચિંતા હતી. ખાસ કરીને કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને સતત જોવાનું અને રોટેશન મુજબ નોડલ ઓફિસરની પણ જવાબદારી આવે છે.

હજુ મને નોડલ ઓફિસરનો ચાર્જ આવે ત્યાં જ મારી તબિયત બગડી. હું મનોમન પ્રાર્થના કરતો કે કોરોના ન હોય. પણ એવું ન બન્યું. જે સેમ્પલ ટેસ્ટ કર્યા એ પૉઝિટિવ હતા. મેં હૉમ આઇસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો. પણ માત્ર બે ચાર દિવસમાં જ ઘરે મારી દીકરી, પત્ની અને માતાની પણ તબિયત કથળવા લાગી. જે ભય મને સતત કોરી ખાતો હતો એ હવે સાચો પડ્યો. મારા કારણે મારા પરિવારના સભ્યો પણ સંક્રમિત થયા. જ્યારે પરિવારના સભ્યો બીમાર પડે ત્યારે સ્થિતિ અત્યંત વસમી બને છે. આ સ્થિતિ માનસિક રીતે કોઇને પણ તોડી નાખે એવી હોય છે. સારવાર ચાલી રહી હતી ત્યારે મારા ફેફસાં સુધી ઈન્ફેક્શન ક્યારે પહોંચ્યુ અને ન્યુમોનિયા ક્યારે થઈ ગયો એની ખબર જ પડી નહીં. બધાએ એક બીજાની કાળજી રાખવાની શરૂ કરી.

હું 8 ઓગસ્ટે પૉઝિટિવ થયો હતો. 21 ઓગસ્ટ સુધીમાં હું સાજો થઈ ગયો. એ પછી ફરી ડ્યુટી જોઇન કરવાની હતી. પરિવારને વાત કરી. સૌએ કહ્યું ફરજ સૌથી પહેલા. મારે ફરી દર્દીઓની સારવારમાં જોતરાઈ જવું જોઈએ. કોરોનાના કારણે ફેફસા હજુ પણ નબળા છે. ઉધરસ આવતી રહે અને ક્યારેક શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. પણ સંપૂર્ણ રિકવરીની રાહ જોઈને બેસી રહેવું પરવડે નહીં. બધુ કોરાણે મુકી હું કોવિડ વોર્ડમાં પહોંચી ગયો છું. હવે એક ફાયદો છે કે મારે કોવિડની ડ્યુટી પછી ક્વોરન્ટાઈન થવાની જરૂર નથી અને સતત ફરજ બજાવી રહ્યો છું. સૌને એક જ વાત કહીશ. હિંમત હારશો નહીં.

અમદાવાદના સોનાલી શાહ હવે દીકરો બનીને સાસુને સાચવશે.
અમદાવાદના સોનાલી શાહ હવે દીકરો બનીને સાસુને સાચવશે.

પીપીઇ કિટ પહેરીને પતિના મૃતદેહ પાસે બેસી નવકારમંત્ર સંભળાવ્યો
અમદાવાદના સોનાલી શાહ કહ્યું- મારા પતિને મધરાતે તાવ આવ્યો. સવારે ડોકટરની દવા લઈ આવ્યા પણ સાસુ 81 વર્ષના હોવાથી તેમનેે રૂમમાં જ રહેવા કહ્યું. દિલ્હીમાં રહેતી દીકરીનો ફોન આવ્યો કે, મમ્મી ભલે ડોકટરે કહ્યું કે, છે કે પપ્પાને કંઈ નથી પણ આઈસોલેશનમાં જ રહે એનુ ધ્યાન રાખજે. પાંચમા દિવસે પતિને વધુ તાવ આવ્યો અને સુગરનું પ્રમાણ પણ વધી ગયુ. પરિચિત ડોકટરોની મદદથી પતિને સાલ હોસ્પિટલમાં દાખલ કર્યા, હું જ તેમને હોસ્પિટલમાં મૂકવા ગઈ. દીકરી પણ દિલ્હીથી આવી ગઈ હતી પણ ઘર કવોરન્ટાઈન હોવાથી મારા ઘરે તે રોકાઈ શકે તેવી સ્થિતિ ન હતી. પતિને દાખલ કર્યા ત્યારથી પાંચ દિવસ ઓકિસજન ઓછો થઈ ગયો એટલે ચિંતા વધતી ગઈ. પાંચ દિવસ પછી તેઓ પેરાલીટીક થઈ ગયા. આઈસીયુમાં હતા ત્યારે જ તેમને ઉપરાછાપરી બે સ્ટ્રોક આવી ગયા. સ્ટ્રોકનો કલોટ બ્રેઈનમાં જતા તે બેભાન થઈ ગયા અને છેલ્લે મારી દિકરીએ તેમને ફોન કર્યો હોવાથી તે નંબર પર તેમણે ફોન કર્યો અને કહ્યું બેટા મમ્મીને કહે મને ફોન કરે. મેં ફોન કર્યો. બસ એ પછી અમારી વાત જ ન થઈ. એ પછી ફરી એક વખત સ્ટ્રોક આવ્યો અને 18 તારીખે હાર્ટ ફેઈલ થઈ ગયું. પ્રાર્થના સિવાય વિકલ્પ ન હતો.

મારા પાડોશી કે કોઈ દિલાસો આપવા આવે તો તે ઘરની બહાર બેસે. દરમ્યાન મેં ટેસ્ટ કરાવ્યો તો મારો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો. બીજા દિવસે દિકરી પર ફોન આવ્યો કે તમારા પિતાનુ મૃત્યુ થયુ છે. ઘરે આવીને એણે મને જોરથી બૂમ પાડી અને કહ્યું કે પપ્પા હવે નથી. હું એને ભેટીને રડી પણ ના શકી. અને પગ નીચેથી જમીન જ સરકી ગઈ. મારા સાસુને પણ હું કેવી રીતે આશ્વાસન આપુ. પૉઝિટિવ હતી પણ પીપીઈ કિટ પહેરીને હોસ્પિટલ પહોંચી અને મોબાઈલમાં નવકાર મંત્ર ચાલુ કરીને પતિને સંભળાવવા લાગી. હું પૉઝેટિવ હતી અને સમય પણ યોગ્ય ન હતો એટલે કોઈ પણ વિધી કરી શકયા નહીં હવે હું અને મારા સાસુ દિલ્હી દીકરીને ત્યાં રહેવા આવ્યા છીએ. મારા સાસુને સંભાળ રાખવાની જવાબદારી હવે મારા શિરે છે તેમના માટે હવે હું જ તેમનો દીકરો અને પુત્રવધૂ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *