આજે 17મી સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદીની 70મી વર્ષગાંઠ ભારે ધામધૂમથી ઊજવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં મોટું આયોજન થયું છે. જેમાં સવારે આશરે 9.30 વાગે કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ છલકાશે. એ વખતે નર્મદા-પૂજા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે. બાદમાં શ્રેણીબદ્ધ બીજા અલગ અલગ પાંચ કાર્યક્રમો યોજાશે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની મોસામમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ભરવામાં આવ્યો છે. હાલ ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે અને આજે 9.30 વાગ્યા સુધીમાં 138.68 મીટરે ભરી ડેમને છલકાવામાં આવશે. નર્મદા બંધને મા રેવાના નીરથી છલોછલ ભરીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની ભેટ અપાશે. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય ગોઠવાઈ ગયા છે. ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના દરવાજા ખોલાઈ શકે છે. ડેમ છલોછલ ભરાતા ગુજરાતમાં આગામી બે વર્ષ સુધી પીવાનું અને સિચાઈના પાણીની સમસ્યા નહીં રહે તે નિશ્ચિત બન્યું છે.
સરદાર સરોવડ ડેમમાં પાણીની આવક 99630 ક્યૂસેક છે અને જાવક 34540 ક્યૂસેક છે. રિવર બેડ પાવરના 6 યૂનિટ સતત ચાલતા 34766 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. મુખ્ય કેનાલમાં 13500 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5534 મિલીયન ક્યૂબીક મીટર થયો છે. એટલે ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 70મા જન્મદિવસ 17મી સપ્ટેમ્બર 2020ના રોજ ડેમના લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરવામાં આવશે. આમ ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.
આગામી 17મી સપ્ટેમ્બર 2020ના રોજ ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને ગુજરાત સરકાર જન્મદિવસની અનોખી ભેટ અપાશે. એ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ઓફિસમાંથી વચ્યુઅલી અન્ય મંત્રીઓની હાજરીમાં નર્મદા નીરના વધામણાં કરી પૂજા અર્ચના કરશે. તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવી નર્મદા નીરનાં વધામણાં કરી પૂજા અર્ચના કરશે એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ સંભાળતા અગ્રસચિવ એસ.જે. હૈદર દ્વારા ‘બિલ્ડિંગ અ ક્લાઇમેટ રેસિલિયન્સ ગુજરાત અ ડિકેડ ઓફ ક્લાઇમેટ એક્શન એન્ડ રોડ-મેપ ફોર ધ ફ્યૂચર કોમ્પોડિયમ’ નામક બુક લોન્ચિંગ સહિત વિવિધ સંસ્થાઓ સાથે 10 જેટલા એમઓયુ કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં મુખ્યમંત્રી જોડાશે. નર્મદા જિલ્લામાં રૂ.૩૦૮ કરોડના ખર્ચની પાણી પુરવઠા યોજના રૂ. 178 કરોડની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરશે.
અમિત શાહ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ એક કાર્યક્રમમાં દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે, જેમાં 33 જિલ્લાઓના 70 જેટલા સ્થળે રાજ્યમંત્રીમંડળના સભ્યો, ભાજપના ધારાસભ્યો તથા પદાધિકારીઓ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાશે, એ વખતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પાણી પુરવઠા યોજનાનું લોન્ચિંગ થશે.