મહારાષ્ટ્ર સરકાર, શિવસેના અને કંગનાનો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. હાલમાં જ ફરી એકવાર શિવસેનાના નેતા સંજય રાઉત અને કંગના વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે કંગનાએ મુંબઈની તુલના પીઓકે સાથે કરી હોવા છતાં મુખ્ય વિરોધી પક્ષ ભાજપ તેમનું સમર્થન કરી રહી છે. સંજયની આ બાબતે હવે કંગનાએ જવાબ આપ્યો છે.
કંગનાએ સંજયને જવાબ આપતા ટ્વીટ કરીને કહ્યું, ‘વાહ, કમનસીબે ભાજપ એક એવી વ્યક્તિને બચાવી રહી છે કે જે ડ્રગ અને માફિયાના કૌભાંડનો પર્દાફાશ કરે છે. તેના બદલે ભાજપે શિવસેનાના ગુંડાઓને મારું મોઢું તોડવા દેવું, રેપ કરવા દેવા કે પછી લિંચ કરવા દેવા જોઈએ, એવું ને સંજય જી? આખરે તેની હિમ્મત કેવી રીતે થઈ એક માફિયાનો ભાંડો ફોડનાર સ્ત્રીની પાછળ ઉભું રહેવાની.
ઉલ્લેખનીય છે કે કંગનાએ જ્યારે મુંબઈની તુલના પીઓકે સાથે કરી છે ત્યારથી શિવસેના તેમના પર હુમલો કરી રહી છે. કંગનાએ એમ પણ કહ્યું હતું કે તે ‘મૂવી માફિયા’ કરતા મુંબઈ પોલીસથી વધારે ડરે છે. આ પછી સંજય રાઉતે લખ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે બિહારની ચૂંટણીમાં મત મેળવવા માટે ભાજપ ફક્ત તે જ વ્યક્તિને સમર્થન આપી રહ્યું છે કે જે મુંબઈને પીઓકે જણાવે છે અને બીએમસીને બાબાર સેના કહે છે.