અમદાવાદ. કોવિડ-19 પછી ધીરેધીરે રાજ્યનું અર્થતંત્ર પાટા પર ચડી રહ્યું છે. જીએસટીના ઇ-વે બિલનો ડેટા દર્શાવે છે કે, ભારતમાં જુલાઇમાં 4.80 કરોડ ઇ-વે બિલ જ્યારે ગુજરાતમાં જુલાઈ મહિનામાં 75 લાખ ઇ-વે બિલ જનરેટ થયા હતા.
દેશમાં જુલાઈમાં 4.80 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા
ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં સામાન્ય રીતે રૂ. 50 હજારથી વધારેની કિંમતની હેરફેર થતી હોય ત્યારે ઇ-વે બિલ બનાવવું જરૂરી છે. જેમાં દૂધ, શાકભાજી, એગ્રિકલ્ચર પ્રોડક્ટ, સોના-ચાંદી અને ડાયમંડને ઇ-વે બિલ બનાવામાંથી છૂટ અપાઈ છે. જીએસટીના ઇ-વે બિલનો ડેટા દર્શાવે છે કે, ભારતમાં જુલાઇ માસમાં 4.80 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા છે. જે જૂન મહિનામાં જનરેટ કરવામાં આવેલા ઇ-વે બિલ કરતા 4 ગણા વધારે છે.
ગત વર્ષના જુલાઇ મહિનામાં 7થી 8 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા. જેની સામે આ વર્ષે જુલાઇ માસમાં માત્ર 4 કરોડ થયા છે. સામાન્ય રીતે ઇ-વે બિલ રો-મટીરિયલ અને ફર્નિશ ગૂડઝની હેરફેર માટે બનાવવામાં આવે છે. આ ડેટા દર્શાવે છે કે, અન્ય વસ્તુની માર્કેટમાં માંગ વધી રહી છે અને અર્થતંત્ર પાટા પર ફરી ચડી રહ્યું છે. ગુજરાતમાં પણ જુલાઇ માસમાં આશરે 75 લાખ જેટલા ઇ-વે બિલ જનરેટ થયા છે.