અમદાવાદ. કોરોના વાઈરસની સારવાર માટે શહેરમાં અનેક હોસ્પિટલમાં અનેક લોકો દાખલ છે. ત્યારે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આજે વહેલી સવારે ICU વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગતા કોરોનાના 8 દર્દીઓના સ્થળ પર મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 42 દર્દીઓને SVP હોસ્પિટલ ખસેડાયા છે.
ધોળકાના પિતા-પુત્ર 10 દિવસથી શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં
શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના પિતા-પુત્ર જેમને કોરોના પોઝિટિવ હતો તેમને પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ આવતા શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું છે.
હોસ્પિટલ તરફથી જ્યારે કહેવામાં આવે ત્યારે પરિવાર પૈસા ભરતો હતો
મૃતકના પરિવારને જણાવ્યું હતું કે, તેઓ 10 દિવસથી સારવાર મેળવી રહ્યા હતા. તેમની તબિયત પણ સુધારા પર હતી. હોસ્પિટલ તરફથી જ્યારે કહેવામાં આવતું ત્યારે પૈસા પણ ભરતા હતા. અત્યાર સુધી કુલ સારવારના 11 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા છતાં આજે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરિવાર એક જ માંગ કરી રહ્યું છેકે, તેમને તેમના સ્વજન જ જોઈએ છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવો દાવો કરવામાં આવ્યો છે પરંતુ હવે તપાસ થાય છે અને પરિવારને ન્યાય મળશે કે કેમ તે તો હોવાનું જ રહ્યું.