અમદાવાદ. શહેરમાં મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે શ્રેય હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આ આગમાં કોરોનાના 8 દર્દીઓ જીવતાં ભૂંજાઈ ગયા હતા. આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે, ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી અને રાજકીય વગ ધરાવતા એવા ભરત મહંતનું ચરિત્ર વિવાદાસ્પદ છે.તેમના ખાતામાં વિદ્યાર્થિનીઓને બાથમાં લેવાનું કુકર્મ બોલે છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજયદાસ મહંતના પુત્ર છે. જોકે 2019માં ભરત મહંત ભાજપમાં જોડાયા હતા.
ભર બપોરે વિદ્યાર્થિનીના રૂમમાં ઘુસી અડપલાં કરવા લાગ્યા
જ્યારે તેમના કુકર્મ અંગે વાત કરીએ તો વર્ષ 2015માં અમદાવાદના નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલી શ્રેય ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાયન્ટ સાયન્સ નર્સિંગની હોસ્ટેલના રૂમમાં ભર બપોરે ઘુસી ગયા હતા. ત્યાર બાદ ભરત મહંત વિદ્યાર્થિનીને તેના જ રૂમમાં બાથમાં ભીડી લઇ શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.
વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા ધમકી આપીને ત્યાંથી બિન્દાસ્ત જતા રહ્યા હતા
નર્સિંગ કોલેજના તત્કાલીન ટ્રસ્ટીના પતિ એવા ભરત મહંતની આ હરકતથી હતપ્રભ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા અન્ય વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફ દોડી આવ્યો હતો. તેમ છતાં તમામ લોકોની હાજરીમાં ભરત મહંત આ છોકરીને ધમકી આપીને ત્યાંથી બિન્દાસ્ત જતા રહ્યા હતા. જો કે પરિવારના સભ્યોની સંમતિ લઇને આ છોકરીએ બીજા દિવસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બે યુવતીમાંથી એકને ચા લેવા મોકલી અને બીજી સાથે અડપલાં કર્યા
મૂળ દ્વારકાની રહેવાસી યુવતી અનિતા(નામ બદલ્યું છે) શ્રેય નર્સિંગ કોલેજના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. અનિતા બપોરે તેની બહેનપણી કવિતા(નામ બદલ્યું છે) સાથે હોસ્ટેલના રૂમમાં બેઠી હતી. ત્યારે ભરત મહંત રૂમમાં આવ્યા હતા અને મારું માથું બહુ દુખે છે, મારે ચા પીવી પડશે, તેમ કહેતા અનિતાએ કિરણને ચા લેવા માટે મોકલતા અડપલાં કર્યા હતા.